એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર
પાણી પણ ખાટુ થઈને નીકળી જતું હોય તેવી એસિડીટી (અમ્લપિત્ત )નો આયુર્વેદિક ઉપચાર
નમસ્કાર મિત્રો,
આજે આપણે એસીડીટી કે જેને આયુર્વેદમાં અમ્લપિત્ત કહે છે તેના વિશે તેમજ તેના આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી મેળવીશું.
શરદઋતુમા( ભાદરવો-આસો) પિત્તના પ્રકોપને કારણે વિશેષ રૂપે થતો આ રોગ આજકાલ આધુનિક અને અયોગ્ય આહારવિહારને કારણે બારેમાસનો રોગ બની ગયો છે.
પ્રસાર માધ્યમોમાં ઈનો જેવી ગેસ- એસિડિટીની દવાઓની પુષ્કળ જાહેરાતો અને તેના બમ્પર વેચાણના આંકડા પરથી આ રોગ કેટલો વ્યાપક અને ઘેરઘેર સામાન્ય થઈ ગયેલો છે તેનો ખ્યાલ આવે છે.
અમ્લપિત્તમાં (એસિડિટી) પિત્તદોષ મુખ્ય કારણરૂપ હોય છે.
પિત્ત સ્વભાવથી ઉષ્ણ, તીક્ષ અને અમ્લ ( ખાટું) ગુણવાળું હોય છે.
એસિડિટીમાં અમ્લ ગુણવાળા પિત્તનો પ્રકોપ હોવાથી દર્દીને ખાટી ઉલ્ટી થતી હોય છે.
જેમનું પિત્ત અતિપ્રકોપિત થયેલું હોય તેમનું બધું ખાધેલું પીધેલું પણ ખાટું થઈને નીકળી જાય છે.
ખાટી ઉલ્ટી થયા બાદ કડવાશ નીકળતી હોય છે.
કડવો રસ એ પણ પિત્તનુ લક્ષણ છે.
ઘણાં ગંભીર કેસમાં દર્દીને દિવસમાં અનેકવાર ખાટી અને કડવી ઉલટી થતી હોય છે.
પાણી પણ ખાટું થઈને નીકળી જાય એવી ફરિયાદ કરવાવાળા દર્દીઓ પણ હોય છે.
આ ઉપરાંત પેટમાં અને અન્નનળીમાં બેચેની, દાહ-બળતરા,અરુચિ અને માથાનો દુખાવાની ફરિયાદ હોય છે.
ઊલટી થવાથી કંઈ અંશે રાહત થાય છે.
## પરેજી##
રોગ થવાનું કારણ દૂર કરવું કે જેને આયુર્વેદમાં પરેજી પાળવી કહે છે તે આયુર્વેદિક ચિકિત્સાનું પ્રથમ સૂત્ર છે.
તે મુજબ પિત્ત કરનાર તમામ આહાર વિહારનો ત્યાગ કર્યા સિવાય એસીડીટી મટતી નથી.
* દહીં, છાશ,કઢી ,ટામેટા,આમલી વગેરે તમામ ખાટા પદાર્થો બંધ કરવા.
* હાંડવો, ખમણ, ઢોકળા,બ્રેડ,પાઉં વગેરે આથાવાળા પદાર્થો.
*દારૂ , બિયર જેવા માદક પદાર્થો.
*તમાકુ,બીડી,સિગરેટ જેવા વ્યસનો.
* ભાત, ખીચડી જેવા પાણીથી ફુલેલા પદાર્થો.
*રાતના ઉજાગરા,બપોરની ઊંઘ,જમ્યા બાદ એક કલાક બાદ જ પાણી પીવું.
જમીને તુરંત પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી હોજરીમાં પાણી ભરાવાથી એસિડના ઊભરા આવે છે.
*સવાર-સાંજ નિયમિતપણે ચાલવાથી પિત્તનું અનુલોમન થાય છે.
## આહારમાં ઓછા તેલથી વઘારેલા સાદા શાક,રોટલી, ખાખરા,દૂધ(સાકર નાખેલું) વગેરે લેવું.
##ઔષધિય ઉપચાર##
શંખભસ્મ, કોડીની ભસ્મ,છીપભસ્મ,સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)દરેક અડધો ગ્રામ, કપૂર કાચલી ચૂર્ણ ૨ ગ્રામ તથા તેમાં એક ચમચી દળેલી ખાંડ બધું મિક્સ કરી એક ડોઝ બનાવવો.
તેને સવારે ખાલી પેટે, બપોરે ત્રણ વાગ્યે તથા સાંજે છ વાગે એમ ત્રણ વખત પાણી સાથે લેવું.
ઉપરોક્ત બધી ભસ્મો પિત્તનું શમન કરવાનો ઉત્તમ ગુણ ધરાવે છે.
કપૂર કાચલી ઉલટીનું ઉત્તમ ઔષધ છે.
પિત્તની શુદ્ધિ માટે વિવેચન આપવું જોઈએ.
તે માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ અથવા અવિપત્તિકર ચૂર્ણ રાત્રે સૂતી વખતે એકથી દોઢ ચમચી જેટલું પાણી સાથે ફાકી જવું.
તેનાથી સવારે મળશુધ્ધિની સાથે પિત્તદોષની પણ શુદ્ધિ થાય છે.
તો ઉપરોક્ત મુજબના ઉપચારથી ગમેતેવી તીવ્ર એસીડીટીમાં રાહત થાય છે.
આશા રાખું કે એસિડિટીથી પીડાતા દર્દીઓને આ ઉપચાર માહિતી ઉપયોગી નીવડશે.
જય આયુર્વેદ
આ આર્ટિકલને લાઈક અને શેર અવશ્ય કરજો.
જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો