સુંઠ:- આયુર્વેદનું ઈમરજન્સી ઔષધ
કોરોના કાળમાં લાઈમલાઈટમાં આવેલું અને ઘેર ઘેર જાણીતું થયેલું
આયુર્વેદનું
ઈમરજન્સી
ઔષધ સૂંઠ
| વિશ્વેષાં સર્વેષાં રોગાણાં પ્રાય: ભૈષજ્યમ્ | (વિશ્વના તમામ રોગોનું એકમાત્ર ઔષધ સુંઠ )
મિત્રો, સૂંઠના નામ અને ઓળખથી અજાણ હોય તેવું ભાગ્યે જ કોઈક હશે. સૂંઠ આમતો સાવ સામાન્ય અને ઘરગથ્થુ ઔષધ હોવા છતાં કોરોના કાળમાં આપણે તેના ચમત્કારીક પરિણામો જોયા અનુભવ્યા છે.આજે આપણે સૂંઠનો શાસ્ત્રોક્ત પરિચય અને ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.
આયુર્વેદિક મતે સૂંઠ ગ્રાહી ( મળ બાંધનાર),આમપાચક ( ખોરાકના કાચા રસને પચાવનાર), શૂલધ્ન (પીડા મટાડનાર),વાતધ્ન ( વાયુનાશક), સ્વાદમાં તીખી,વિપાકમા મધુર (પચ્યા પછી મધુર હોવાથી સૂંઠ કદી ગરમ પડતી નથી.)
સૂંઠના ઔષધીય ઉપયોગ ટુંકમાં જોઈએ તો
૧) અતિસાર ( ડાયેરિયા):-
ઝાડા કે પીડાદાયક આમાતિસાર ( મ્યુક કોલાઈટીસ) કે પ્રવાહિકા (મરડો) માં સૂંઠ ખુબ જ અસરકારક ઔષધ છે.ઝાડામાં સૂંઠ જેવું કોઈ ઔષધ નથી.( |તદ્ધદ્ ન શુણ્ઠી અતિસાર રોગે| - બાલબોધોદય ગ્રંથ ) દર કલાકે એક એક ચમચી જેટલી સૂંઠ પાણી સાથે આપવાથી ગમે તેવા ઝાડા ત્રણ ચાર કલાકમાં મટી જાય છે.
૨) વિષુચિકા ( કોલેરા):-
બીલાનો ગર્ભ અને સૂંઠનો ઉકાળો ( ક્વાથ) પીવાથી કોલેરાના ઝાડા ઉલ્ટી મટી જાય છે.
૩) હિકકા ( હેડકી):-
સૂંઠને ગોળમાં મેળવી પાણીમાં પલાળી તેના ત્રણ નસ્ય ( નાકમાં ટીપાં) આપવાથી ગમે તેવી હેડકી મટે છે.|| નાગરં ગુડસંયુકત હિકકધ્નં નાવનત્રયમ્ || નોંધ:- ટીપાં નાખતી વખતે માથું લટકતું રાખવું જેથી કરીને નસ્ય ગળામાં આવે.૩૦ સેકંડ પછી થુંકી નાખવું.
૪) શીતત્વ ( શરીર ઠંડું પડી જવું):-
કોલેરા, હ્રદયરોગ કે પાણીમાં ડૂબી જવાથી શરીર ઠંડું પડી જાય ત્યારે સૂંઠનું ચૂર્ણ હાથ પગના તળિયા અને આખા શરીરે હળવા હાથે ઘસવાથી શરીરમાં તરત ગરમી આવવા માંડે છે અને દર્દીનો જીવ બચાવી શકાય છે.
૫) પેશાબમાં લોહી પડવું:-
૧૦૦ ગ્રામ બકરીના દૂધમાં ૫ ગ્રામ સૂંઠ નાખી ઉકાળીને સાકર નાખી પીવું.
૬) માથાનો દુખાવો:-
દુધમાં સૂંઠ વાટીને ગાળીને તેનું નસ્ય લેવાથી ગમે તેવું માથું દુખતું હોય તો મટે છે.( Severe Headache)
૭) વૃશ્રિક દંશ ( વીંછીનો ડંખ):-
સૂંઠનું ચૂર્ણ પાણી લસોટી તેનું એક જ નસ્ય લેવાથી તુરંત વીંછીનું ઝેર ઉતરી જાય છે.| નાગરં વારિણા ધૃષ્ટં નરાણાં નસ્ય કર્મણિ | વિષં વૃશ્રિકદંષ્ટાનાં હરેદેકં પ્રભાવત: || ઈમરજન્સી સારવારમાં જેણે સૌથી વધુ સચોટ અને સરળ ઔષધો દર્શાવ્યા છે તે મહાવૈધ સોઢલનો પ્રયોગ.
આ ઉપરાંત સૂંઠ અનેક આયુર્વેદિક દવાઓમાં મુખ્ય ઘટક તરીકે વપરાય છે. ગુજરાતીમાં કહેવત છે કે" કોની માંએ સવા શેર સૂંઠ ખાધી છે" જે સૂંઠની ઔષધીય મહત્તા બતાવે છે.
આવી અનેક રીતે ઉપયોગી સૂંઠ ઘરે બનાવેલા માટે
બજારમાંથી સારી જાતનું આદું લાવીને ધોઈ લઈ તેનાં નાનાં નાનાં ટુકડા કરી ( છાલ ઉતાર્યા સિવાય) તડકે સૂકવી લઈ દળીને ચાળી લો અને તેને દિવેલ ( એરંડિયું) વડે મોઈ લઈ કાચની બરણીમાં ભરી લેવું.
આ રીતે ઉત્તમ ક્વોલિટીની, ખાતરીલાયક સૂંઠ તૈયાર થઈ જાય છે.
એક કિલો આદું માંથી આશરે ૨૦૦ ગ્રામ સૂંઠ બને છે.
દિવેલ વડે મોઈ લીધેલી સૂંઠમાં જીવાત પડતી નથી અને તેના ઔષધીય ગુણો આખું વર્ષ જળવાઈ રહે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો