દિવાળી પર ખાવામાં આવતા મઠિયાં પાછળનું આયુર્વેદિક સાયન્સ
દિવાળી પર ખાવામાં આવતા મઠિયાં પાછળનું આયુર્વેદિક સાયન્સ :-
મિત્રો દિવાળી પર આપણે હોંશભેર મઠિયાં ખાઈએ છીએ અને મહેમાનોને પણ ખવડાવીએ છીએ. તો ચાલો આ મઠિયાંનું આયુર્વેદિક મહત્વ સમજીએ.
દિવાળી શરદ ( ભાદરવો - આસો) અને હેમંત ( કારતક - માગશર) ઋતુના સંધિકાળમાં આવે છે. શરદ ઋતુનો અંત ( પિત્તનો પ્રકોપકાળ) જ્યારે હેમંતની શરૂઆતમાં વાયુનો પ્રકોપ અને કફનો સંચય થાય છે. આ સમયે ત્રણેય દોષ ( કફ, પિત્ત અને વાયુ) ઓછાવત્તા પ્રમાણમાં વિકૃત થવાથી સંસર્ગજન્ય ( ચેપી) રોગ થાય છે.
એટલે આ ઋતુમાં ત્રણેય દોષોની શાંતિ માટે સંપૂર્ણ શાસ્ત્રીય આહાર મઠિયાનો આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મઠિયામાં મુખ્ય ઘટક ( ingredient) મઠ છે. મઠ ત્રણેય દોષોને શાંત કરનાર આહાર આ ઋતુમાં બને છે. ઉપરાંત તેમાં તલના તેલનું મોણ, અજમો, હિંગ, સિંધવ મીઠું વગેરે મસાલા નાખવામાં આવે છે. તળવા માટે તલનું તેલ સુચવવામાં આવ્યું છે. દરેક દ્રવ્યોના ગુણ જોઈએ તો
૧) મઠ રસથી મધુર, રુક્ષ અને શીતળ છે. મધુર હોવાથી પિત્તનું શમન કરે છે.
૨) તળવા માટે વપરાતું તલનું તેલ કડવું અને તુરા રસવાળું હોવાથી વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ વિકૃત કફને શાંત કરે છે. તલનું તેલ આમ ( પચ્યાવગરનો આહારરસ) પચાવનાર(ગુણમાં ઉષ્ણ હોવાથી), અગ્નિ પ્રદિપ્ત કરનાર ( ભુખ લગાડનાર) છે.
૩) અજમો ઉષ્ણ હોવાથી વાયુ અને આમનું શમન કરે છે.
૪) હિંગ ગરમ છે. તેથી જઠરાગ્નિ વધારે છે અને ભોજનની રુચિ ઉપજાવનારી છે.
૫) સિંધાલૂણ જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, રુચિ ઉપજાવનાર અને વિકૃત દોષોને શાંત કરનાર છે.
ઓવરઓલ જોઈએ તો મઠિયાં મધુર, પચવામાં હલકા, ભુખ લગાડનાર, રુચિ ઉત્પન્ન કરનાર, શરદી, શ્વાસ, કાસ, અજીર્ણ ( અપચો), સાંધાનો અને કેડનો દુખાવો, ગેસ ટ્રબલ મટાડનાર છે.
તો આ દિવાળીમાં મઠિયા ખાઈ ખવડાવીએ અને તેના ઔષધિય ગુણોથી વાકેફ થઈએ અને આ મહાન આયુર્વેદના દુરંદેશી મહર્ષિઓને વંદન કરીએ કે જેમણે આપણા જીવનમાં , તહેવારોમાં દરેક તબક્કે આપણા આરોગ્ય માટે આયુર્વેદને બહુ સહજ રીતે વણી લીધો છે.
જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો