પુસ્તક પરિચય

 પુસ્તક પરિચય:- 


મિત્રો, કોરોના કાળબાદ લોકોમાં આયુર્વેદ પ્રતિ વિશ્વાસ અને જાગરૂકતા વધી છે.વધુને વધુ લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર આયુર્વેદિક ઉપચાર અને જીવનશૈલી ધરાવતા કંટેન્ટ ટ્રેન્ડ કરી રહ્યા છે ત્યારે સૌને મુંઝવતો પ્રશ્ર એ છે કે આયુર્વેદ વિશે સાચી અને શાસ્ત્રોક્ત માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવવી કે જે આપણે સમજી શકીએ અને જરુર પડે ત્યારે રેડી રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકાય.


તો આજે આપણે ગુજરાતી ભાષામાં લખાયેલા ગ્રંથ વિશે માહિતી મેળવીશું.મુળ મરાઠી આયુર્વેદ શાસ્ત્રી વૈધરાજ શંકર દાજીપદેજી દ્ધારા લિખિત અને વ્યાસ હરિકૃષ્ણ ભગવાનદાસ ‌ધ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદિત ગ્રંથનું નામ છે " આર્યભિષક" ( ગુજરાતી અર્થ હિન્દુસ્તાનનો વૈધરાજ) . આશરે ૮૦૮ પાનાનો પાકાં બાઈન્ડીંગ વાળો ગ્રંથ સૌ પ્રથમ ઈ.સ.૧૮૯૪મા ( ૧૨૭ વર્ષ પહેલાં) પ્રકાશિત થયો હતો અને અત્યાર સુધી તેની ૨૮ આવૃત્તિઓ થઈ છે (૨૦૦૮ સુધી) તેના પરથી તેની ઉપયોગીતા અને લોકચાહનાનો અંદાજ આવે છે.


આયુવૅદના વિધાર્થીઓ, અધ્યાપકો, વૈદ્યો અને ઈવન આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ પણ તેનો રેફરન્સ તરીકે ઉપયોગ કરે છે.ગ્રંથમાં કુલ ૬૨૩ જેટલી વનસ્પતિના આયુર્વેદિક ગુણદોષ, આયુર્વેદિક ઉપયોગો, વર્ણન અને તેના અંગ્રેજી,લેટીન, ભારતની મુખ્ય ભાષાઓમાં તેના નામ સહિત પરિચય આપવામાં આવ્યો છે. આયુર્વેદના સિધ્ધાંતો વિશે સરળ ભાષામાં સમજણ, આયુર્વેદિક પરિભાષામાં વપરાતા શબ્દોની સાદી ભાષામાં સમજણ, આયુર્વેદિક દવાઓ તરીકે વપરાતા ચુર્ણો, ગોળીઓ, ઉકાળા,પાક,અવલેહ (ચાટણ) વગેરે બનાવવામાં શું કાળજી રાખવા સહિત રેસિપી વિસ્તાર પુર્વક સરળ ભાષામાં આપવામાં આવી છે.


ઉપરાંત મોટાભાગના રોગો થવાનું કારણ,તેનો ઉપચાર અને તે માટે કઈ કઈ ઔષધીઓનો ઉપયોગ કરવો અને સાથે સાથે શું પરેજી રાખવી તે પણ અલગ પ્રકરણમાં વિસ્તારથી દર્શાવેલ છે.ટુંકમાં ગાગરમાં સાગર જેવો આ ગ્રંથ આયુર્વેદ વિશે સાચી જાણકારી મેળવવા અને અભ્યાસ કરવા ઈચ્છતા દરેકે વસાવવા જેવો છે.


ઉપરોકત ગ્રંથ સસ્તું સાહિત્ય વર્ધક પ્રકાશન ( ભદ્ર પાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ તથા દરેક પ્રતિષ્ઠિત બુકસેલર પાસે ઉપલબ્ધ છે.એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. કિંમત ૭૦૦/- + પોસ્ટેજ ચાર્જ ) તો આશા રાખું છું કે દરેક મિત્રોને આ માહિતી ઉપયોગી થશે.

            જય આયુર્વેદ


ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર