શિયાળામાં સર્વને ઉપયોગી વસાણું" સૌભાગ્ય સુંઠી પાક


 શિયાળામાં સર્વને ઉપયોગી વસાણું

              "સૌભાગ્યસુંઠી પાક" :- 


    નમસ્કાર મિત્રો , ઠંડીની સિઝન જામી રહી છે ત્યારે શિયાળામાં ઠંડી સામે રક્ષણ ,ગરમી અને શક્તિ આપે તેવા સર્વને ઉપયોગી એવા સૌભાગ્ય સુંઠીપાક વિશે આપણે જાણકારી મેળવીશું અને તેને ઘરે બનાવવાની રીત પણ જોઇશું .

  મિત્રો, શિયાળો આવે એટલે ગરમી અને શક્તિ માટે વસાણું ખાવું જોઈએ તેઓ એક વ્યાપક મત છે પરંતુ આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે આપણી પાચનશક્તિનો વિચાર કરીને જ કોઈ પણ પાક ખાવો જોઈએ. 

  પાક એક એવી વસ્તુ છે જે પચવામાં ખૂબ જ ભારે હોય છે એટલે ફક્ત ૨૫ ગ્રામ જેટલો જ ખાવો.

    પાક ખાધા બાદ ઉપર દૂધ પીવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી કેમકે દૂધ પચવામાં ખૂબ જ ભારે હોય છે એટલે પાક એકલો જ ખાવો જોઈએ.

      

પાકને પચવા માટે પૂરતો સમય મળી રહે એટલા માટે તેને સવારે જ ખાવો જોઈએ. 


ઓછી પાચનશક્તિવાળાઓએ પચવામાં ભારે પાક ન ખાવા જોઈએ.

ઓછી પાચનશક્તિવાળા માટે ખાસ એવા સૌભાગ્યસુંઠી પાક બનાવવાની રીત નીચે મુજબ છે. 

  સૌપ્રથમ આ પાક બનાવવા માટેના ઘટકો જોઈએ તો

૧) સુંઠ ૪૦૦ ગ્રામ (ઘરે બનાવેલ )

૨) ૪ લિટર ગાયનું દૂધ (ન મળે તો ભેંસનું)

૩) ૧.૨૫ કિલો ગાયનું ઘી ( ન મળે તો ભેંસનું)

૪) ૧.૫ કિલો સાકર કે ખાંડ (ચાસણી બનાવવા માટે) 

૫) ૧૨૦ ગ્રામ વરિયાળી 

૬) ૪૦ગ્રામ વાવડીંગ

૭) ૪૦ગ્રામ એલચીદાણા અને 

૮) ૪૦ ગ્રામ તજ 


    સૌપ્રથમ ૪૦૦ ગ્રામ સૂંઠ પાવડરને ૪ લિટર ગાયના દૂધમાં પકાવવો. દૂધનો ભાગ બળી જાય અને માવા જેવું થાય અને પાણીનો ભાગ શોષાઈ જાય એટલે પછી તેને અલગ વાસણમાં કાઢીને ઠંડું પડવા દેવું.

   પછી ગાયનું ઘી ૧.૨૫ કિલો લઇ તેમાં સુંઠનો માવો નાંખી ધીમા તાપે શેકો જ્યારે ઘી બરાબર છૂટું પડી જાય અને તેની ઉપર ઘી તરતું થાય ત્યારે ખાંડની બે તારની ચાસણી કરી તેમાં શેકેલો માવો નાંખી બરાબર મિક્સ કરી લો .

 ત્યાર પછી તેમાં વરિયાળી ,વાવડીંગ,એલચી અને તજ વગેરે વાટીને પાઉડર કરી ચાસણી તથા માવામાં બરાબર મિક્સ કરી તેને થાળીમાં ઢાળી ને ચોસલા કરવા.

    ૨૫ ગ્રામ જેટલો પાક દરરોજ સવારે ખાવો. શિયાળામાં સૌભાગ્ય સુંઠીપાકનું સેવન કરવાથી આમવાતમાં( રૂમેટિઝમ આર્થરાઇટિસ) ખુબ જ ફાયદો થાય છે. 

   આ પાક જઠરાગ્નિ વધારનાર અને ઠંડી સામે રક્ષણ તથા શક્તિ આપે છે.


  તો મિત્રો , સૌભાગ્યસુંઠીપાક શિયાળામાં તમારા ઘરે બનાવીને તેનો ઉપયોગ કરજો-લાભ લેજો અને તમારા મિત્રો સગાં સંબંધીઓને પણ શેર કરજો.

   કેમકે શિયાળામાં વસાણા નું સેવન ખૂબ જ બળપ્રદ અને લાભપ્રદ છે.

                 

                 જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર