શિયાળાનું ઉત્તમ શાક રીંગણ

 શિયાળાનું ઉત્તમ શાક રીંગણ


    નમસ્કાર મિત્રો,શિયાળાની ઋતુ પુરબહારમાં છે ત્યારે આજે આપણે શિયાળાનું ઉત્તમ શાક રીંગણ વિશે આયુર્વેદની દૃષ્ટિએ જાણકારી મેળવીશું. 


   આયુર્વેદની દ્રષ્ટિએ રીંગણના ગુણદોષ જોઈએ તો 

 રીંગણ અગ્નિપ્રદીપક(જઠરાગ્નિ પ્રદીપ્ત કરી ભૂખ લગાડનાર), પચવામાં હલકાં, રુચિકર, ગરમ,લૂખા અને તિક્ષણ છે.

  

        કુમળા રીંગણ વીર્યવર્ધક અને હૃદયને હિતકારી છે.


    આધુનિક મત મુજબ રીંગણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ,પ્રોટીન,વિટામિન-એ, વિટામિન બી-૨,વિટામિન -સી અને લોહ તત્વ છે.


     રીંગણના ડિંટીયામાં વિટામિન વધુ પ્રમાણમાં હોય ડીંટા સહિત ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

 

      રીંગણ ગુણમાં ગરમ હોય ખુબ જ બી વાળા, પિત્ત પ્રકૃતિવાળાએ,એસીડીટીવાળાએ, દુઝતા હરસવાળાએ, પ્રેગ્નન્ટ સ્ત્રી, ઉનાળો તથા શરદઋતુ જેવી ગરમ ઋતુ અને પિત્તને લગતા કોઈપણ રોગ હોય તેવી વ્યક્તિઓએ રીંગણનું સેવન ન કરવું જોઈએ.


 રીંગણના ઔષધિય ઉપયોગો


૧) વારંવાર કફ, શરદી-સળેખમ, નાક ગળતું હોય કે વારંવાર છીંકો આવતી હોય,છાતીમાં કફ ભરાઈ રહેતો હોય , ખાંસી ચડે ત્યારે કફ બહાર ના નીકળતો હોય કે શ્વાસ ચડતો હોય તેમણે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર રીંગણનું શાક કે ઓળો ખાવો જોઈએ.


૨) અરુચિ, કમળો, પથરી,બરોળની વૃદ્ધિ કૃમિ, શૂળ, ઝીણો તાવ,મેદવૃદ્ધિ હોય તેવી વ્યક્તિઓ માટે રીંગણ નો ઉપયોગ હિતકારી છે.


૩) સફેદ રીંગણ અર્શ(હરસ)ના દર્દીઓ માટે ગુણકારી છે.


૪) પેટ પર, ડોકનીઆસપાસ,છાતી કે નિતંબ ઉપર ચરબી વધી ગયેલ હોય તો સરગવો અને રીંગણનો સૂપ સવારે એક ગ્લાસ પીવાથી ધીમે ધીમે ચરબીના થર ઓગળે છે. સાથે સાથે આરોગ્યવર્ધિની, ત્રિફળા ગુગળ અને મેદોહર ગૂગળ બે- બે ગોળી સવાર- સાંજ લેવાથી અવશ્ય પરિણામ મળે છે.


૫) જે બહેનોને માસિક ઓછું આવતું હોય, યોગ્ય ઉંમર પહેલા બંધ થઇ ગયું હોય અને સાફ ન આવતું હોય તેમણે રીંગણનું શાક, બાજરીનો રોટલો અને ગોળ એકાદ માસ સુધી આંતરે દિવસે ખાવાથી સારું પરિણામ મળે છે.

 સાથે સાથે રજ:પ્રવર્તિનીવટી અથવા કન્યાલોહાદિવટી લેવી.


   ટુંકમાં વાયુ અને કફથી થતા મોટા ભાગના રોગોમાં રીંગણ પથ્ય છે.

 

    કુણા રીંગણ થોડી માત્રામાં લેવામાં આવે તો પિત્તના રોગમાં પણ ખાસ કશી તકલીફ થતી નથી.

   

      વસંતઋતુ,શિયાળામાં અને ચોમાસામાં રીંગણનું શાક પથ્ય છે.


    પુરતા તેલમાં બનાવેલું,લસણ કે હિંગથી વઘારેલું કુમળા રીંગણનું શાક વાયુના રોગોમાં ઉત્તમ મનાય છે.

 

      કફપ્રકૃતિવાળી વ્યક્તિઓ માટે વસંતઋતુમાં રીંગણનું શાક હિતકર છે.


   

      તો મિત્રો શિયાળાના ઉત્તમ શાક રીંગણનો તમે આ સિઝનમાં ભરપુર ઉપયોગ કરી લાભ લેજો.


     આ પોસ્ટને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં


.



                  જય આયુર્વેદ 

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર