અનેક રોગોમાં ઉપયોગી ઔષધ જેઠીમધ



  અનેક રોગોમાં ઉપયોગી ઔષધ જેઠીમધ 


નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા આયુર્વેદિક ઔષધ વિશે જાણકારી મેળવીશું કે જેનું નામ કોઈ આયુર્વેદપ્રેમીથી અજાણ્યું નથી.


     ખૂબ જ જાણીતું અને સાવ સામાન્ય લાગતું ઔષધ એવું જેઠીમધના અસંખ્ય અને અસામાન્ય ફાયદાઓ જાણીને તમે આશ્ચર્યચકિત થયા વગર રહી શકશો નહીં. તેમજ આ ઔષધને જોવાની તમારી દ્રષ્ટિ સંપુર્ણ રીતે બદલાઈ જશે અને ખૂબ જ અહોભાવ ધરાવતા થઈ જશો.


 જીહાં, મિત્રો ખુબ જ જાણીતા અને સામાન્ય જણાતા આ આયુર્વેદિક ઔષધનું શાસ્ત્રીય સંસ્કૃત નામ યષ્ટિમધુ છે.

હિન્દીમાં તેને મુલેઠીના નામથી ઓળખવામાં આવે છે.

 તેનું અંગ્રેજી નામ Liquorice Root છે.


સૌપ્રથમ જેઠીમધના ઔષધીય ગુણો જોઈએ તો 


જેઠીમધ સ્વાદમાં મધુર અને ઠંડુ (શીતળ), પચવામાં ભારે (ગુરુ),આંખો માટે હિતકર( ચક્ષુષ્ય), ચામડીનો રંગ સુધારનાર( વર્ણકર), વાળ માટે હિતકર( કેશ્ય), વાતપિત્તશામક, અવાજ સારો કરનાર( કંઠ્ય), રસાયણ,ક્ષય મટાડનાર,ઘા રુઝવનાર તથા વહેતું લોહી બંધ કરનાર ( વ્રણશુદ્ધિકારક) છે.


અસંખ્ય રોગોમાં તેમજ ઇમર્જન્સીમાં પણ ખૂબ જ સુંદર અને આશ્ચર્યજનક પરિણામ આપતા જેઠી મધના ઔષધીય ઉપયોગો જોઈએ.


 

૧) વાગવાથી કે કપાઈ જવાથી થયેલા તાજા ઘામાં જેઠીમધના ચુર્ણમાં પકવેલું ઘી સહેજ ગરમ ગરમ કરવાથી લોહી વહેતું બંધ થઈ જાય છે,વેદના પણ મટે છે અને ઘા જલદી રુઝાઈ જાય છે.

જેઠીમધનું ચૂર્ણ પણ વહેતા લોહીને અટકાવે છે.

 કંઈ પણ વાગે તો ઘામાં જેઠીમધનું ચૂર્ણ ભરી પાટો બાંધી દેવાથી લોહી વહેતું અટકી જાય છે.(જેઠીમધ રક્તસ્તંભક અને ગ્રાહી હોવાથી)


૨)


જેઠીમધ અને ચંદનને દૂધમાં બરાબર પીસી પીવડાવવાથી ઊલટીમાં પડતું લોહી તુરંત બંધ થાય છે.


૩) મૂત્રમાર્ગે કે મળમાર્ગમાં લોહી પડતું હોય તો ૧૦ ગ્રામ જેટલું જેઠીમધનું ચૂર્ણ મધમાં મિક્સ કરી પીવાથી લોહી પડતું અટકે છે.


૪) જેઠીમધનું ચૂર્ણ ૧ ગ્રામ અને શુદ્ધ વછનાગનું ચૂર્ણ ૧/૪ ગ્રામ જેટલું મિક્સ કરી વાટી ઘૂંટીને સરસવના તેલમાં મિક્સ કરી તેના ૨ થી ૬ ટીપાં નાકમાં નાખવાથી(નસ્ય) કોઈ પણ જાતનો માથાનો દુખાવો મટે છે.( Any type of hedack)


૫) આધાશીશી કે જેને અંગ્રેજીમાં માઈગ્રેન કહેવામાં આવે છે તેના અસહ્ય દુખાવાને પણ તુરંત મટાડે છે.


જેઠીમધના ઉપરોક્ત તમામ ઔષધિય ઉપચાર મહાવૈધ ચક્રદત્તે વારંવાર અનુભવેલા અને ઇમર્જન્સી સારવારમાં ભારપૂર્વક સુચવેલા છે.


૬) ઉધરસ કે ખાંસી આવતી હોય, ગળામાં બળતરા થતી હોય,મોમાં ચાંદા પડ્યા હોય, અવાજ બેસી ગયો હોય, ગળામાં સોજો કે ઇન્ફેક્શન વગેરે જેવી તકલીફમાં પણ જેઠીમધનું લાકડું મોંમા રાખી ચુસવાથી ખૂબ જ આશ્ચર્યજનક પરિણામ તુરંત જ મળે છે.


અહીં એક રસપ્રદ વાત કરું તો કુંશીલકંઠીલ નામની ખુબ જ જાણીતી ગોળીમાં પણ જેઠીમધ મુખ્ય ઘટક છે.


૭) જેઠીમધ પુષ્ટિકારક હોય વજન વધારવા ઈચ્છનારે લાંબા સમય સુધી જેઠીમધનું ચૂર્ણ દરરોજ એક ચમચી જેટલું દૂધ સાથે લેવાથી વજન ચોક્કસ વધે છે.


૮) ગર્ભના પોષણ અને રક્ષણ માટે શતાવરીનું ચૂર્ણ અને જેઠીમધ ચુર્ણ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે.

 ગર્ભ ટકતો ન હોય કે વારંવાર ગર્ભપાત થઈ જતો હોય તેવી મહિલાઓ માટે આ ચુર્ણ આશીર્વાદ સમાન છે.

 સતત છ સાત મહિના સુધી જેઠીમધ અને સતાવરીનું ચૂર્ણ સેવન કરવાથી ગર્ભ નું રક્ષણ થાય છે અને તંદુરસ્ત બાળકનો જન્મ થાય છે.


૯) જેઠીમધ વાળ વધારનાર અને વર્ણને સુધારનાર છે.


૧૦) પ્રેગ્નન્સી દરમ્યાન જેઠીમધનું દુધ સાથે નિયમિત સેવન કરવામાં આવે તો બાળક ગૌરવર્ણનું અને ખૂબ જ ઘટાદાર કાળા વાળ સાથે જન્મે છે તેવો મારો વ્યક્તિગત અનુભવ છે.(મારી પુત્રીનો ફોટો પણ આ સાથે શેર કરું છું)


૧૧) જેઠીમધ તાસીરે ઠંડું હોવાથી હાથ-પગનાં તળિયાં,આંખ, મૂત્ર કે મળત્યાગ વખતે થતી બળતરા હોય તો તેમાં ઉત્તમ છે.

દુધ સાથે કે ફક્ત ચુર્ણનો પણ ઉપયોગ થઈ શકે.


 મિત્રો તમને એ જાણીને આશ્ચર્ય અને ગર્વનો અનુભવ થશે કે જેઠીમધની બોલબાલા ભારતની સીમા ઓળંગીને પરદેશમાં પણ શરૂ થઈ છે અને રશિયા જેવા હાડોહાડ સામ્યવાદી અને વિકસિત દેશમાં પણ જેઠીમધનો ઔષધ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.


પોસ્ટ ખૂબ જ લાંબી થઇ ગઈ છે પરંતુ જેઠીમધ જેવા ઔષધીય ન્યાય આપવા માટે તે જરૂરી છે.


 તો મિત્રો આશા રાખું કે જેઠીમધ વિશેનો આ મારો આર્ટિકલ તમને ઉપયોગી નીવડશે.


  લાઈક અને શેર કરવાનું ભૂલતા નહી. આવા જ આયુર્વેદ વિશે સાચી અને સચોટ માહિતી સાથેના લેખો સાથે મળતા રહીશું.



                     જય આયુર્વેદ

ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર