ઋતુરાજ વસંતના વધામણાં અને આરોગ્ય આર્યુવેદીક દ્રષ્ટિએ


 ઋતુરાજ વસંત અને આરોગ્ય આર્યુવેદીકની દ્રષ્ટિએ 

   નમસ્કાર મિત્રો,ઋતુરાજ વસંતઋતુનું આગમન થઈ રહ્યું છે. વૃક્ષો પર નવા પાન અને ફુલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. 


ધીમે ધીમે વૃક્ષો પુષ્પોથી આચ્છાદિત થઈને વન- ઉપવન સુગંધમય થઈને મહેંકી ઉઠશે ત્યારે આપણી ગુજરાતી ભાષાના ખુબજ જાણીતા અને મોટા ગજાના કવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની કાવ્યપંક્તિ ટાંકવાનું પ્રલોભન રોકી શકતો નથી.


" આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી એ પગલા વસંતના."


 ફાગણ-ચૈત્ર માસ વસંતઋતુ ગણાય છે પરંતુ પ્રકૃતિના અવલોકન પરથી જોઈએ તો જ્યારે વૃક્ષો અને વનસ્પતિઓના પાંદડા ખરી પડીને નવી કુંપળો ફુટે તથા નવા ફુલો આવે ત્યારે વસંતઋતુ ગણાય છે.


વસંતઋતુમાં મનુષ્યોનો કફદોષ પ્રકોપ પામે છે.


  આયુર્વેદના મહાન આચાર્યોએ વસંતઋતુમાં તંદુરસ્ત રહેવા માટેની ખુબ જ સુંદર અને સચોટ ગાઈડ લાઈન આપેલી છે તેના વિશે અને વસંત ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું તેના વિશે આપણે જાણકારી મેળવીશું.


  સૌપ્રથમ જોઈએ તો શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે શરીરમાં કફ નો સંચય થાય છે ઉપરાંત શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અને શક્તિ માટે આહારમાં લેવામાં આવેલ ચીકાશવાળા વસાણા તેમજ ભારે કફવર્ધક ખોરાકને કારણે શરીરમાં કફ જમા થયેલો હોય છે.


તે આ વસંતઋતુની ગરમીને કારણે ધીમે ધીમે પીગળીને બહાર આવે છે જેને કફનો પ્રકોપ કહેવામાં આવે છે.


 ખૂબ જ સરળ ભાષામાં ઘટનાને સમજવી હોય તો એમ કહી શકાય કે જે રીતે ફ્રીઝમાંથી બરફ કાઢવાથી રુમ ટેમ્પરેચરે જેમ ધીરે ધીરે પીગળીને પ્રવાહી સ્વરૂપમાં આવે છે તેવી જ રીતે શરીરમાં શિયાળામાં સંચિત થયેલો કફ વસંત ઋતુની ગરમીને પીગળીને શરદી ખાંસીના સ્વરૂપે શરીરમાંથી બહાર આવે છે.


  તેથી જ આ ઋતુમાં તાવ,શરદી, સળેખમ, નાના બાળકોને ઓરી-અછબડા,ગડગુમડ,ડિપ્થેરીયા, ખસ-ખુજલી-ધાધર અને ચામડીના તથા લોહીના વિકાર વગેરે જેવા રોગો થાય છે.


  આયુર્વેદે તેથી જ આ ઋતુમાં શરીરમાંથી વધારાનો (ચિકાશ)કફ દૂર કરી શરીરને સ્વસ્થ રાખવા વસંતઋતુમાં (ફાગણ ચૈત્ર) માસમાં લુખું ખાવાનું ગોઠવેલું છે.


 વસંતઋતુની દિનચર્યા 


૧) વસંતઋતુમાં સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્યક્રમથી પરવારવું.પેટ સાફ આવે તેનું ખાસ ધ્યાન રાખવું તે માટે હરડે કે ત્રિફળા ચૂર્ણ લેવું.

૨) કણજી નું દાતણ કરવાનું આયુર્વેદનું વિધાન છે અને રોજ દાતણ બાદ ઉલ્ટી કરીને વધારાનો કફ કાઢી નાખવાનું(વમન)સુચવેલ છે.

૩) વસંતઋતુમાં સ્નાન પણ ગરમ પાણીથી જ કરવું.

૪) આ ઋતુમાં શરીરે માલિશ ન કરવું.

૫) નાકમાં દરરોજ અણું તેલના ટીપાં નાખવા.

૬) વસંતઋતુમાં ફ્રીજનું પાણી ન પીવું પણ માટલાનું જ પાણી પીવું.

૭) દરરોજ યથાયોગ્ય પરસેવો વળે ત્યાં સુધી કસરત કરવાથી શરીરનો કફ સહેલાઈથી નીકળી જાય છે.હોળીની પ્રદક્ષિણા કરવાથી પણ તેના તાપના કારણે શરીરનો કફ સહેલાઈથી પીગળીને નીકળી જાય છે એટલે હોળીની પ્રદક્ષિણા પાછળ પણ આયુર્વેદ રહેલું છે.

૮) ચૈત્ર માસમાં લીમડાનો રસ-મોરનું સેવન કરવું. (મરી,સિંધવ,ગોળ કે મધ અને લીમડાના કુણા પાન તથા મોર નાખીને બનાવેલ) 


   લીમડો એ બેસ્ટ એન્ટિસેપ્ટિક અને લોહીમાં ભળેલા કફને કારણે થતી ખંજવાળ મટાડનાર છે.


૯) કેસુડાના ફૂલ નાખીને ગરમ કરેલું પાણી પણ ચામડીના રોગો મટાડનાર છે એટલે કેસૂડાંના ફૂલના પાણીથી હોળી રમવાનો રિવાજ પણ આરોગ્ય આપનાર છે.

૧૦) ચૈત્ર માસમાં અલુણા વ્રતનો મહિમા છે.મીઠું પ્રવાહી કફ ઉત્પન્ન કરનાર છે.


૧૧) વસંતઋતુમાં દિવસે સુવું નહીં.દિવસે સુવાથી કફ વધે છે.


હિન્દુ સનાતન ધર્મના દરેક તહેવારો અને પરંપરાઓમાં ગહન આયુર્વેદ સમાયેલું છે.


વસંતઋતુનો આહાર


૧) વસંતઋતુમાં લુખું ખાવાનું આયુર્વેદે જણાવ્યું છે એટલે ધાણી ચણા જેવા લુખા આહાર વિશેષરૂપે લેવા.

૨) ભાત જુના ચોખાનો બનાવવો.મમરા, મોરૈયો, આદું વગેરેનો આહારમાં ઉપયોગ કરવો.રોટલી પણ મોણ વગરની ખાવી.

૩) વસંતઋતુમાં કારેલા શ્રેષ્ઠ શાક છે.

૪) મરી, મરચું,લસણ જેવા તીખા,તુરા અને કડવા રસનું સેવન વિશેષ કરવું.( તીખો,તુરો અને કડવો રસ કફનો નાશ કરનાર છે.

ગળ્યો, ખાટો અને ખારો રસ કફવર્ધક હોય તેનું સેવન ન કરવું.

વસંતમાં દુધ, દહીં,ઘી, શ્રીખંડ જેવા ભારે અને કફવર્ધક ખોરાક ન લેવો.( શ્રીખંડ એ ગ્રીષ્મનો ખોરાક છે.)

૫) કઠોળમાં મગ વસંતઋતુમાં શ્રેષ્ઠ છે.મગ વિપાકમાં તીખા હોવાથી કફ થવા દેતા નથી.

એટલે વસંતઋતુમાં દરરોજ મગ ખાઈ શકાય.


મિત્રો આ છે આયુર્વેદે સુચવેલો વસંતઋતુનો આહાર વિહાર તેનું પાલન કરી આ ઋતુમાં સ્વસ્થ રહીએ અને પ્રકૃતિનો વૈભવ માણીએ.

આ આર્ટિકલ પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરશો.


                 



                      જય આયુર્વેદ


 









ટિપ્પણીઓ

Popular Post

એસીડીટી (અમ્લપિત્ત) નો આયુર્વેદિક ઉપચાર