દેવોને પણ દુર્લભ મૃત્યુલોકનું અમૃત છાશ
દેવોને પણ દુર્લભ મૃત્યુલોકનું અમૃત છાશ
નમસ્કાર મિત્રો આજે આપણે જેને મૃત્યુલોકનું અમૃત કહેવાય છે એવી છાશના ઔષધીય ગુણો અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.
છાશનું સંસ્કૃત નામ તક્ર, અંગ્રેજીમાં તેને બટરમિલ્કના નામથી ઓળખવામાં આવે છે.
છાશનાં આયુર્વેદની દ્રષ્ટિએ ગુણદોષ જોઈએ તો
છાશ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર,ત્રિદોષશામક,અર્શનાશક(હરસ-મસાનો નાશ કરનાર) ,બલપ્રદ, તૃપ્તિકર,હ્રદયને માટે હિતકર,સંગ્રહણીનાશક ,ગ્રાહી( મળ બાંધનાર), ખાટી, તુરી,લઘુ(પચવામાં હળવી) વિપાકમાં મધુર છે.
દેવોને પણ દુર્લભ અને મૃત્યુલોકનું અમૃત કહેવાતી છાશ આયુર્વેદિકનું ખૂબ જ ઉત્તમ ઔષધ પણ છે.
છાશના આયુર્વેદિક ઉપયોગો જોઈએ તો
૧) ભૂખ ન લાગતી હોય તો હિંગ્વાષ્ટક ચૂર્ણ નાખીને છાશ પીવી જોઈએ.
૨) બાળકોના ઝાડા માં બધો જ ખોરાક બંધ કરી ફક્ત છાશ પર રાખવાથી ઝાડા બંધ થઈ જાય છે.(છાશ ગ્રાહી હોવાથી)
૩) દરરોજ જમ્યા પછી છાશ પીવાથી ખોરાકનું પાચન થાય છે.
જઠરાગ્નિ વધે છે.
કબજીયાત રહેતી નથી.
૪) હરસ- મસા અને ભગંદરના રોગીઓ ફક્ત છાશ અને સુરણનો આહાર કરે તો હરસ મસા અને ભગંદર માટે છે.
૫) છાશમાં બનાવેલી કણકીની ઘેંસ, છાશમાં બનાવેલા ખાટા મગ, છાશની કઢી ખાવામાં રૂચી પેદા કરે છે.
પેટ હલકું કરે છે અને ખોરાકને પચાવે છે.
૬) જેમ તાંબાના વાસણ છાશથી માંજવાથી ચક્ચકિત થાય છે તેવી જ રીતે છાશ આંતરડાં,લીવર જેવા અવયવોને અંદરથી માંજીને સાફ કરે છે.
જેને આજની મોર્ડન મેડિકલ ભાષામાં શરીરનું Detoxification કહી શકાય.
૭)છાશના સેવનથી મળદોષનો બરાબર પાક થાય છે.
મળની શુદ્ધિ થાય છે.
ખોરાકમાંથી ધાતુ બરાબર બને છે.
તેથી શરીરની ધાતુઓની વૃદ્ધિ થાય છે.
અને શરીરમાં બળ આવે છે.
૮) છાશનું નિત્ય સેવન કરવાથી
હરસ-મસા, સંગ્રહણી,ગોળો(ગેસ), સોજા, પેટના રોગ વગેરે રોગ થતા નથી.
૯) બાળકોને પેટમાં ગેસ થઈ ગયો હોય તો છાશ સાથે અજમાનું ચૂર્ણ ખવડાવવાથી તરત જ ગેસ છુટે છે.
૧૦) છાશ શરીરમાં પચ્યા પછી (વિપાક) મધુર થઈ જતી હોવાથી પિત્તનો પ્રકોપ કરતી નથી.
૧૧) છાશ કૃશ કરવાનો ગુણ ધરાવતી હોય મેદસ્વી શરીરવાળા છાશનું નિત્ય સેવન કરે તો શરીર સુડોળ બનાવવામાં મદદરૂપ થાય છે.
ખાસ નોંધ:- છાશના ઉપરોક્ત ફાયદાઓ મેળવવા માટે દહીંને માખણ છુટું પડે તે રીતે ખુબ જ વલોવવું જોઈએ અને છાશ બે દિવસ કરતાં વધુ વાસી ઉપયોગમાં ન લેવી જોઈએ.
તો મિત્રો આ છે મૃત્યુલોકના અમૃતની ઉપમા પામેલી છાશ અને આયુર્વેદમાં જેની ખુબ જ પ્રશંસા અને ગુણગાન ગાવામાં આવ્યા છે તે છાશના ઔષધીય ગુણો.
છેલ્લે છાશના ગુણોનું વર્ણન કરતા શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈએ તો
" જો કૈલાસમાં છાશ હોત તો મહાદેવ નીલકંઠ ન રહ્યા હોત!(છાશ પીવાથી કંઠમાંનું ઝેર નાશ પામ્યું હોત)
જો વૈકુંઠમાં છાશ મળતી હોત તો વિષ્ણુ કાળા રંગના ન હોત!
જો સ્વર્ગમાં છાશ મળતી હોત તો ઇન્દ્રનો ભગંદર રોગ અને ચંદ્રની ક્ષય દશા તરત જ નાબૂદ થઇ ગઇ હોત!
સ્વર્ગલોકમાં છાશ હોત તો ગણેશજીનું પેટ આવડું મોટું ન હોત અને કુબેરને કોઢ થાત નહીં!
અને અગ્નિ પણ પોતે દાહ પામતો ન હોત!"
સમાજ અને દેશભરમાં ચાને બદલે છાશના સેવનનું ચલણ વધે તો ઘણા બધા રોગો ઘટી શકે છે.( છાશ પાચનશક્તિ સુધારે છે જેને આયુર્વેદમાં આરોગ્યનો આધાર ગણેલ છે)
બહુજન હિતાય અને બહુજન સુખાય આ આર્ટિકલને લાઈક અને શેર જરૂર કરશો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો